સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડીયાર કુવા મોટામાઢ વિસ્તારમાં ગતરાત્રીએ પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકને સારવાર માટે લઇ જતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર બજાર બંધ કરી દેવાયું છે. તેમજ પ્રાંતિજમાં મોટામાઢથી 70થી વધુ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે મૃતક રાજુભાઇ રાઠોડની અંતિમયાત્રા નીકળી હતી.
બનાવ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ જિલ્લાની પોલીસ પણ આવી પહોંચી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બીપીન રાજુભાઈ ભોઈએ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે 17 સહિત 30ના ટોળા સામે 302, 323, 143, 147, 148, 149, 504, 506-2, 34, 427 બીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.