પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (16 ફેબ્રુઆરી) ચોથો દિવસ છે. સંયુક્ત કિસાન મોરચા અને મજદુર સંઘે આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું છે. આજે ગામડાઓમાં દુકાનો બંધ રાખવા અને ખેડૂતોને ખેતરમાં કામ ન કરવા કહેવામાં આવ્યું છે. હવે હરિયાણામાં પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. BKU (ચઢુની)ના કાર્યકરો આજે હરિયાણામાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી તમામ ટોલ ફ્રી કરાવશે.
ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી. જે રાત્રે 8 વાગ્યાથી લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે MSP પર કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હશે. ખેડૂત નેતાઓ MSP ગેરંટી પર મક્કમ રહ્યા હતા. હવે રવિવારે ફરી બેઠક મળશે. ત્યાં સુધી બંને પક્ષોએ શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર હતા.