IPS અધિકારીનો ખાસ ગણાતો યોગેશ ગુપ્તાને આજે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મથુરાથી ઝડપી લીધો છે. યોગેશ ગુપ્તા દ્વારા એક મહિલાની એફિડેવિટ પૂર્વ DGP આશિષ ભાટિયા સામે કરવામાં આવી હતી. જેમાં આશિષ ભાટિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે એફિડેવિટ ખોટી હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ આ સમગ્ર રેકેટની અંદર કેટલાક લોકોની ATSએ ધરપકડ કરી હતી. જ્યારે યોગેશ ગુપ્તાને વોન્ટેડ જાહેર કર્યો હતો, તેની દુષ્કર્મના ગુનામાં પણ સંડોવણી ખુલી છે. પોલીસ પકડી ન શકે એ માટે નામ બદલી અને વેશ પલટો કરી અલગ અલગ રાજ્યોમાં છૂપાતો રહેતો.
રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાને બદનામ કરવા માટે કેટલાક તત્વો ભેગા મળીને આખો કારસો રચ્યો હતો અને આ સોગંદનામુ વાઇરલ કર્યું હતું. આ સોગંદનામાની અંદર આશિષ ભાટિયા સામે ગંભીર આક્ષેપો કરાયા હતા. પરંતુ આ સોગંદનામું એક મહિલા પાસે કરાવ્યું હતું તે સોગંદનામું જ આખું ખોટું હોવાનું સાબિત થયું હતું. આ સમગ્ર મામલે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ગુના પણ નોંધવામાં આવ્યા હતા. આ સોગંદનામાં દરમિયાન ચાંદખેડાના એક બંગલામાં દુષ્કર્મની વાત પણ સામે આવી હતી અને આ બંગલો યોગેશ ગુપ્તાનો હોવાનું સામે આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યોગેશ ગુપ્તા એક પૂર્વ IPSની ખૂબ જ નજીકના હોવાનું માનવામાં આવે છે અને જે-તે સમયે તે IPS અધિકારીએ ગુપ્તાના ઘણા બધા કામો પણ કર્યા હોવાની ચર્ચા છે. ત્યારે યોગેશ ગુપ્તા પકડાયા બાદ હજી પણ કેટલીક વિગતો ખૂલે તેવી શક્યતા છે. આજે યોગેશ ગુપ્તાની અમદાવાદ સાયબર ક્રાઇમે મથુરાથી ધરપકડ કરી છે.
યોગેશ ગુપ્તા અલગ અલગ રાજ્યમાં પોતાનો વેશ પલટો કરીને છૂપાતો રહેતો હતો. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને એક મહત્વની સફળતા મળી છે. હાલ સમગ્ર મામલે યોગેશની પૂછપરછ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેને રિમાન્ડ માટે આજે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.