ગઈ કાલે આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરનો ચારણ સમાજ નો એક વીડિયો સામે આવ્યો હતો. જેમા તેઓએ ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. એટલું જ નહીં ચારણોના માતા સોનલમાં અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ ચારણ અને ગઢવી સમાજમાં તેમના પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ચારણ-ગઢવી સમાજ દ્વારા આ મામલે આવેદનપત્ર આપવમા આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવામા આવી હતી. ત્યારે આ મામલે ગીગા ભમ્મરના પુત્રએ ચારણ સમાજની માફી માંગી છે.
લખક્ષણ ભમ્મરે (જીલુ ભમ્મર) ચારણ સમાજની માફી માંગતા જણાવ્યું હતું કે, બે દિવસથી આહિર સમાજ પ્રત્યે ચારણ સમાજની લાગણી દુભાણી તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો હુ બધાને ચારણ સમાજ અને ગઢવી સમાજને વિનંતી કરવા માંગુ છુ કે, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હતી તેનો હેતું કોઈને ઠેસ હોંચાડવાનો ન હતો. તેનો હેતુ તે હતો કે ચારણ સમાજનો કોઈ શક્તિના કોઈએ ચાળા કરવા નહીં. જો આ આનાથી કોઈ વ્યક્તિ કે ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગું છું.
ભાવનગર જિલ્લાના તળાજામાં ગઢવી સમાજ પર ટિપ્પણી મામલે ગીગા ભમ્મર વિરુદ્ધ અમદાવાદ સાઇબર ક્રાઇમમાંએફ.આઈ.આર નોંધાઇ છે. તળાજાના કોડયા ગામે આહીર સમાજના સમૂહ લગ્નમાં ગીગાભાઈ ભમ્મરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હડધૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ છે. ગઢવી સમાજના તળાજા વિસ્તારના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધ માં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આઇપીસી 153 (ક), 295 (અ), 505 (2) સહિતનો ગુનો દાખલ કરાયો હતો.
સમગ્ર ગુજરાત ચારણ – ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ અપાઈ છે.