અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા સર્ટીફીકેટ રજૂ કરી અને નોકરી મેળવવા મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મુકવા તે મામલે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. વિજિલન્સ તપાસમાં જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરવામાં અને તપાસ પૂર્ણ થયા બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારા દક્ષિણ ઝોનમાં આવતા ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડનો હવાલો સંભાળે છે. મ્યુનિ.કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાકીય કામો સબઝોન લેવલે થાય તેને ધ્યાનમાં રાખી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં બહારના ઉમેદવારની ભરતી તરીકે નરેન્દ્ર ગમારાની ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2020માં નરેન્દ્ર ગમારા વિરુદ્ધ ખોટા સર્ટીફીકેટ રજૂ કર્યા હોવા અંગેની મ્યુનિસિપલ કમિશનરથી લઈ વિવિધ વિભાગોમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં નરેન્દ્ર ગમારા અનુસૂચિત જાતિના ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરી અને એસ.સી ઉમેદવારને ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
જેના પગલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઉપર વિજિલન્સ તપાસ સોંપાઈ હતી. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારને અરજી સાથે અરજી કરેલું પેઢીનામુ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજિલન્સ ખાતામાં રજૂ કરેલું પેઢીનામુ અલગ હતું. વિજિલન્સ દ્વારા આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરનું પ્રમાણપત્ર ખરાઈ કરવા 11 જેટલા પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જેમાંથી કેટલાક પુરાવા તેઓ રજુ કરી શક્યા નહોતા. તપાસમાં અનેક બાબતો સામે આવી હતી. જેના પગલે વિજિલન્સ તપાસમાં તેઓએ ખોટા સર્ટીફીકેટ રજુ કર્યા હોવાને લઈ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મુકવા તે અંગેની શો કોઝ નોટિસ આપવામાં આવી છે.