સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં મધરાત્રે ત્રણ વાગ્યે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી 25 લાખ રૂપિયાની ચોરી થતા દોડધામ મચી છે. રાત્રિના 3 વાગ્યાના અરસામાં આવેલા ચાર શખ્સોએ તિક્ષણ હથિયારોથી એટીએમ તોડી કેશની પેટી ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટના CCTVમાં કેદ ન થાય તે માટે ATM સેન્ટરના કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો. લીંબડીના ATMમાંથી કેશ ભરેલી જે પેટીની ચોરી થઈ હતી તે બગોદરા નજીક મીઠાપુર ગામની સીમમાંથી મળી આવી હતી. ખાલી પેટીની બાજુમાં ગેસ કટર પણ મળી આવ્યું હતું. જે એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ તે સિક્યુરિટી ગાર્ડ વગર જ ચાલતું હતું. પોલીસે હાલ નાકાબંધી કરી નંબર વગરની ઈકો કારમાં ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતમાં આ પહેલા પણ ATM સેન્ટરોમાં ચોરીના પ્રયાસો થઈ ચૂક્યા છે. મોટાભાગના પ્રયાસો નિષ્ફળ રહેતા હોય છે. પરંતુ, લીંબડીમાં તસ્કરો લાખોની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી મુજબ જે SBIના ATMમાંથી 25 લાખ કરતા વધુની રકમની ચોરી થઈ છે તે ATMની દેખરેખ માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ જ ન હતો.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર જ આવેલા લીંબડી શહેરમાં ATM સેન્ટરમાંથી લાખો રૂપિયાની ચોરી થતા સુરેન્દ્રનગર પોલીસ દોડતી થઈ છે. લાખોની ચોરી મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક ઈકો કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ગેસ કટરથી તોડી 25.40 લાખની ચોરી થઈ છે. તસ્કરો નંબર પ્લેટ વગરની ઈકોમાં આવ્યા હતા અને તેઓ બગોદરા તરફ ગયા હોવાનું જણાઈ આવેલ છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ચાર ટીમો કામે લાગી છે.
તસ્કરોએ ATM સેન્ટરના CCTV પર કલર સ્પ્રે માર્યો
ATMમાં રોકડ રાખવાની પેટી તોડવા ગેસ કટરનો ઉપયોગ કર્યો
ATMમાં કેશ રાખવાનું જે બોક્સ હોય તે બગોદરા નજીકથી ખાલી હાલતમાં મળી આવ્યું