ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુ છૂટ બાદ ગુજરાતમાં અલગ અલગ ઠેકાણેથી દારુ છૂટની માગ ઉઠી હતી. રાજકોટ, સુરત અને મોરબી સહિતના બીજા વિસ્તારોમાંથી પણ ગિફ્ટ સિટી જેવી લિકર છૂટ આપવાની માગ ઉઠી હતી આ બધી માગ અને ચર્ચા વચ્ચે હવે ગુજરાત સરકારે દારુબંધીના કાયદાને વધારે કડક બનાવવા એક પગલું ભરવાની તૈયારીમાં છે. રાજ્યના દારૂબંધી અને આબકારી વિભાગે હાલના દારૂબંધીના કાયદામાં મોટા સુધારાની દરખાસ્ત કરી છે, જેથી તેને વધુ કડક બનાવી શકાય. દરખાસ્ત મુજબ દારૂની હેરફેર કરતા જે પણ વાહન પકડાશે તેને કાયમી ધોરણે જપ્ત કરી તાત્કાલિક હરાજી કરવામાં આવશે. આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોએ કહ્યું હતું.
રાજ્યના ગૃહ, કાયદા અને કાયદાકીય અને સંસદીય બાબતોના વિભાગો એમ ત્રણ મુખ્ય વિભાગો દ્વારા સુધારા બિલના મુસદ્દાની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ લીલી ઝંડી આપ્યા બાદ આ ખરડો ચાલુ રાજ્ય વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જે 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. સરકાર વટહુકમનો માર્ગ પણ અપનાવી શકે છે.સૂત્રોએ એવું પણ કહ્યું કે દર વર્ષે, રાજ્યમાં વ્યક્તિઓ તેમજ બુટલેગરો દ્વારા દારૂની હેરફેર કરવા બદલ સેંકડો વાહનો – ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રક – જપ્ત કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ કોર્ટના આદેશો સાથે વાહનને મુક્ત કરાવવામાં સફળ થાય છે, અને ગેરકાયદેસર વેપાર માટે તેનો ફરીથી ઉપયોગ કરે છે. જ્યારે આરોપીઓ વાહનનો દાવો કરતા નથી, ત્યારે પણ આવા વાહનોનો નિકાલ કરવામાં લાંબો સમય લાગે છે. તે ઉપરાંત જપ્ત થયેલા વાહનો પોલીસ સ્ટેશનોમા પણ મોટા પ્રમાણમાં જગ્યા રોકે છે આ એક પણ એક મોટી સમસ્યાં છે.
આ પહેલા ફેબ્રુઆરી 2017માં ગુજરાત સરકારે દારૂના ખરીદ, વેચાણ અને પરિવહન સાથે સંકળાયેલા લોકોને દંડ તેમજ જેલની સજામાં નોંધપાત્ર વધારો કરીને દારૂના કાયદાને કડક બનાવવાનું બિલ પસાર કર્યું હતું. દારૂ વેચનારા માટે જેલની સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી હતી જે માત્ર 3 વર્ષ પહેલા જ હતી. તેવી જ રીતે દારૂના અડ્ડા સંચાલકો તેમજ તેમને મદદ કરનારાઓને 10 વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવી હતી.
ગુજરાત સરકારે 22 ડિસેમ્બર 2023ના દિવસે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી હતી જે પછી ચર્ચા ઉપડી હતી કે સરકાર દારુબંધી હટાવી શકે છે પરંતુ હવે લાગે છે કે ગુજરાત સરકારનો દારુબંધી હટાવવાનો કોઈ ઈરાદો નથી અને તેને બદલે એક સુધારિત બીલ લાવીને તેને વધારે મજબૂત કરી રહી છે.