ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સચિવાલય બહાર આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. જેને જોઈને લોકો એકઠા થઈ ગયા હતા અને મહામહેનતે તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવક ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર એક પાસેના ઝાડ પર ચઢી ગયો હતો. તેણે ત્યાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ઝાડ પર ચઢ્યો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. જેથી અહીં ઝાડ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. તેમજ આ અંગે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં તાત્કાલિક પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. યુવકને નીચે ઉતાર્યા બાદ પ્રાથમિક તપાસ કરતા આ યુવક વલસાડનો હોવાનુ સામે આવ્યું છે. અને જમીનની બાબતે સમસ્યા હોવાથી તે ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો હતો.