લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમેત્યારે થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસ અને આપનું ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ બેઠક વહેચણી પણ કરાઈ દીધી છે.તો બીજી તરફ ભાજપમાં પણ બેઠક વાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
જૂનાગઢમાં આજે બીજેપીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપના નેતા બીના આચાર્ય તેમજ મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ બેઠક પરથી ચારથી પાંચ લોકોએ દાવેદારી નોંધાવી હોવાની વિગતો સામે આવી છે. રાજેશ ચુડાસમા,કિરીટ પટેલે, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી અને ગીતાબેન માલમે,દિનેશ ખટારિયા, હર્ષદ રીબડિયા, ભાવનાબેન હીરપરાએ દાવેદારી નોંધાવી છે
લોકસભા 2024ની ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને કૈલાસબેન પરમાર તેમજ પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ સેન્સ પ્રક્રિયામાં સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત 75થી વધુ અપેક્ષિત દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પહોંચ્યા હતા.
મહેસાણા લોકસભા બેઠક માટે પણ ભાજપ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુંવરજી બાવળિયા,જયંતી કાવડિયા અને જાહ્નવી વ્યાસ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલે ટિકિટ માંગી હોવાની ચર્ચા સામે આવી છે.
રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં ભરત બોઘરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા હતાં. કડવા પાટીદારના ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની ચર્ચા છે.આપને જણાવીએ કે,અગાઉ રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી.