ગુજરાત હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) માં રેપ અને બીજી ઘટનાઓની ગંભીર નોઁધ લીધી છે. ગત અઠવાડિયે ફેક્ટ ફાઈડિંગ કમિટીએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પરિસરમાં બળાત્કાર, હોમોફોબિયા અને ભેદભાવની ઘટનાઓનો રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવ્યો હતો. રિપોર્ટને આધારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે બુધવારે આ ઘટનાઓ માટે જીએનએલયુની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે યુનિવર્સિટીનો વહીવટ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં સામેલ છે.
ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે જીએનએલયુમાં બે છોકરીઓનું યૌન શૌષણ થયું હતું. ખંડપીઠે કહ્યું કે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યા મુજબ જાતીય સતામણી અથવા બળાત્કારની માત્ર બે ઘટનાઓ જ નથી બની, પરંતુ છેડતી, બળાત્કાર, ભેદભાવ, હોમોફોબિયા, પક્ષપાત, અવાજોનું દમન થઈ રહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે પીડિતાએ કહ્યું છે કે રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ પોલીસ પર કેસ રફદફે કરવાનું દબાણ કરી રહ્યો છે. પીડિતાએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખઈ હતી. ત્રીજી (સોશિયલ મીડિયા) પોસ્ટને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના હસ્તક્ષેપને કારણે બળજબરીથી દૂર કરવામાં આવી હતી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે જવાબદાર વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે, અને ફેકલ્ટીના કેટલાક પુરુષ સભ્યો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે વધુ સુનાવણી 12 માર્ચે મુલતવી રાખી છે.
ચીફ્ જસ્ટિસે બહુ ગંભીર સવાલ કર્યો હતો કે, રાષ્ટ્રીય કક્ષાની એક લો કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની શકે..? હાઇકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારના એવા દાવા કે, સંસ્થામાં આવું કંઇ બન્યું નથી અને અમારી જાણમાં આવ્યું નથી તેને યાદ કરીને જીએનએલયુ સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું કે, રજિસ્ટ્રારે આવું સોગંદનામુ કરી અદાલતને સુઓમોટો પિટિશનનો નિકાલ કરવા વિનંતી કરી હતી. કોર્ટમાં આ મુદ્દો આવ્યો તેમ છતાં આ રીતે નિકાલ કરવાની અપીલ કરવાની તેમનામાં હિંમત છે તો તેઓ વિદ્યાર્થીઓનું શું રક્ષણ કરશે.