ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ પ્રેસ સાથે વાત કરતા આ સમગ્ર યોજના વિશે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પીએમ-સૂર્ય ઘર યોજના અને ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરોને કમાણીનો સ્ત્રોત સાથે 300 યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં સ્થાપિત થવા જઈ રહેલા ત્રણ સેમિકન્ડક્ટર એકમોમાં કુલ રૂ. 1.26 લાખ કરોડના રોકાણનો અંદાજ છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં સીજી પાવર જાપાનની રેનેસસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.
જ્યારે ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં રૂ. 27,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. જ્યારે ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.