DA-IICT Amendment Act : ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (સુધારા) વિધેયક, 2024 આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામા આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકાવાણાએ આ બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનું સુધારા વિધેયક બિલ લઈને આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આ બિલમાં ઘણા સુધારા સૂચવ્યા છે.
વધુમાં તેમને કહ્યું કે, ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા વધી ગઈ છે જે એક ચિંતાનું કારણ છે. હકીકતમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટયૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનું આ બિલ છે. આ બિલમાં અમને જાણવા મળ્યું છે કે ઘણી એવી વસ્તુઓ છે જે ભવિષ્યમાં ગુજરાત અને દેશ માટે ખતરારૂપ છે. જેમકે આ બિલમાં અંબાણી ઇન્સ્ટિટયૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સાથે સાથે એવી પણ સત્તા આપી છે કે, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને તમામ પ્રકારની ફેકલ્ટીસ અહીંયા શરૂ થઈ શકશે. સાથે સાથે આ યુનિવર્સિટી અન્ય દેશ અને અન્ય રાજ્યોમાં પણ પોતાની યુનિવર્સિટી શરૂ કરી શકશે. તથા અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી પણ શરૂ કરી શકશે.
આ બિલ દ્વારા ચોક્કસપણે અદાણી-અંબાણીને ફાયદો પહોંચે તે રીતનું બિલ સરકાર લાવી છે. આ બિલમાં એસસી એસટી, કોળી સમાજ કે ઓબીસીના અને લઘુમતી તથા ઇ ડબલ્યુ એસના વિદ્યાર્થીઓને 33% અનામત આપવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તથા આ ગરીબ અને પછાત સમાજના લોકોને ફી માફી કરવાની પણ કોઈ વાત કરવામાં આવી નથી. મંત્રી આજે બિલ લઈને આવ્યા છે તે બિલ દ્વારા તેમના માનિતાઓ ઉદ્યોગપતિઓ શિક્ષણનું વ્યાપારીકરણ કરીને કમાઈ શકે તે રીતનું બિલ લઈને આવ્યા છે. માટે આમ આદમી પાર્ટી આ બિલનો સખત વિરોધ કરી રહી છે.