ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ સહિત 250 જેટલા જિલ્લા ન્યાયાધીશો હાલ કચ્છના સફેદ રણમાં છે. વાત જાણે એમ છે કે, CJI DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ભારતની અભૂતપૂર્વ મુલાકાત લીધી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં ન્યાયની પહોંચ વધારવા અને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ વધારવા માટે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટને દરેક ગામમાં લઈ જઈ રહ્યા છે. આ ઐતિહાસિક પહેલના ભાગરૂપે પાયાના સ્તર સાથે જોડાણ કરવાના હેતુથી ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના કચ્છ પ્રદેશના રણમાં બે દિવસીય કાર્યક્રમ માટે એકત્ર થયા છે. દેશના ઈતિહાસમાં આ પ્રકારનું પ્રથમ સંમેલન છે.
એક ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે આ પરિષદમાં કચ્છના રણમાં તમામ હાઈકોર્ટના પ્રતિનિધિઓ તેમજ દેશભરની નીચલી અદાલતોના 250 જિલ્લા ન્યાયાધીશોને એકઠા કરવામાં આવ્યા છે. શનિવાર અને રવિવારે ચાલનારા આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અને તેમના સાથી ન્યાયાધીશો સીધા જ જિલ્લા ન્યાયાધીશો સાથે જોડાશે. CJI ચંદ્રચુડની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી પણ ગુજરાત પહોંચ્યા છે. ખાસ વાત એ છે કે આમાંથી જસ્ટિસ સંજીવ ખન્ના અને સૂર્યકાંત ભારતના આગામી ચીફ જસ્ટિસની ભૂમિકા ભજવી શકે છે.
CJI ચંદ્રચુડની આ પહેલમાં પાયાના સ્તરે મુદ્દાઓને સંબોધવા માટે કાર્યક્રમોનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. ઈ-ફાઈલિંગ, વર્ચ્યુઅલ સુનાવણી, બંધારણીય કેસોનું લાઈવ સ્ટ્રીમિંગ અને પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદાઓના અનુવાદ પછી સર્વોચ્ચ અદાલતને આશા છે કે, સામાન્ય લોકો સુધી પહોંચવાનું આ અભિયાન પારદર્શક અને સુલભ ન્યાયતંત્રને જાળવવામાં પણ મદદ કરશે.
CJI સાથે સહમત થતા વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સૂર્યકાન્ત સંમત થયા કે સામાન્ય લોકો સુધી સીધું પહોંચવું એ ન્યાયતંત્ર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવાનો અસરકારક માર્ગ છે. આ પછી ન્યાયાધીશો વચ્ચે ચર્ચા થઈ અને પછી એક સત્ર યોજવાનું નક્કી કરવામાં આવ્યું જ્યાં નીચલી અદાલતના ન્યાયાધીશો સાથે સીધો સંપર્ક થઈ શકે. આ કોન્ફરન્સમાં ટેક્નોલોજી, સંસાધનો અને અન્ય લોજિસ્ટિકલ પાસાઓ સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.