મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે. PM મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે. રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્દ્ર બન્યું છે.” ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું.
CMએ અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, PM મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે. એટલું જ નહીં, આવનારા હજારો વર્ષોમાં રામરાજ્યની સ્થાપનાનાં સંકલ્પ સાથે ભારતની દ્રષ્ટીનું, દર્શનનું અને દિગ્દર્શનનું મંદિર આ રામમંદિર બન્યું છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે.
મુખ્યમંત્રીએ કહું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને PM મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશભરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લ્હાવો લેવા અયોધ્યા આવે છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રમલ્લા ના દર્શને આવતા યાત્રાળુઓને જે સુવિધાઓ મળી રહી છે તે માટે મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો.