બેંગલુરુમાં શુક્રવારે દિવસે દિવસે થયેલા વિસ્ફોટના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. વાત જાણે એમ છે કે, વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત પ્રસિદ્ધ રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટમાં હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તે સીલીન્ડર બ્લાસ્ટ નહીં પરંતુ બોમ્બ બ્લાસ્ટ હતો. પોલીસનું કહેવું છે કે, UAPA એક્ટ, 1967 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ કેસમાં લેટેસ્ટ અપડેટ એ આવ્યું છે કે, આ બ્લાસ્ટના આરોપીઓ વિશે ઘણી કડીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે આ આરોપીએ બ્લાસ્ટ કરતા પહેલા કેફેમાંથી રવા ઈડલીની કુપન પણ લીધી હતી.
આરોપી યુવકે કેફેની પાસે એક ઝાડ પાસે બેગ છોડી દીધી અને બોમ્બ વિસ્ફોટ થયો. તેણે બ્લાસ્ટ માટે ટાઈમર સેટ કર્યું હતું. આ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો. તે આવીને બસમાંથી ઉતર્યો. તેનો આખો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હોવાનું પણ જાણવા મળે છે. તેને પકડવા માટે 7 થી 8 ટીમો બનાવવામાં આવી છે. બેંગલુરુ કેફે બ્લાસ્ટ પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટ હતો. વધુ વિગતો બહાર આવવા માટે અમારે તપાસની રાહ જોવી પડશે. તેમણે કહ્યું છે કે, આરોપીઓને સજા થશે. આ દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરા ડીજીપી આલોક મોહન સાથે બેંગલુરુ બ્લાસ્ટ સ્થળ પર પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્યપાલ રાત્રે લગભગ 9 વાગે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે.
રેસ્ટોરન્ટ બ્લાસ્ટની ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમની ઓળખ – ફારૂક (19 વર્ષ, હોટેલ સ્ટાફ), દીપાંશુ (23 વર્ષ, એમેઝોન કર્મચારી), સ્વર્ણંબા (49 વર્ષ, 40% શરીર બળી ગયું), મોહન (41 વર્ષ), નાગશ્રી (35 વર્ષ), મોમી (30 વર્ષ)., બલરામ કૃષ્ણન (31 વર્ષ), નવ્યા (25 વર્ષ), શ્રીનિવાસ (67 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.