અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. દિવ્ય ભાસ્કર મોઢવાડિયાના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યું હતું, જ્યાં તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું. અર્જુન મોઢવાડિયા સાડાપાંચ વાગ્યા પહેલાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આ ઘટનાક્રમ વચ્ચે શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા છે.
આ પહેલા આજે સવારે(4 માર્ચ, 2024) એક તરફ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, ડેર રાજીનામું આપે એ પહેલાં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો. કપરા સમયમાં વિપક્ષમાં રહીને જવાબદારી નિભાવી છે. મેં મારા પક્ષ માટે લોહી અને પરસેવો બન્ને આપેલા છે એટલે કોંગ્રેસ છોડવી મુશ્કેલ હતી. પરંતુ મારા ટેકેદારોની લાગણી હતી કે, જે રીતે કોંગ્રેસ ચાલે છે એમા પરિવર્તન લાવી શકીશ નહીં, એટલે મેં તમામ હોદ્દા પરથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મને સહયોગ આપનારા તમામ લોકોનો આભાર માનુ છું. દેશના લોકોની ઇચ્છા હતી કે રામ મંદિર બંધાઈ એ પછી પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ ઠુકરાવ્યું. પરંતુ એ વખતે પણ જેણે પણ આ નિર્ણય કર્યો તેનો મેં વિરોધ કર્યો હતો. મારા રાજકીય જીવનની નવી શરૂઆત બધા મિત્રોને પૂછીને કરવાનો છું.