ઇઝરાયેલના માર્ગલિયોટ નજીક એન્ટી ટેન્ક મિસાઇલ હુમલા પછી ભારતીય દૂતાવાસે મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં ભારતીયોને ઈઝરાયેલ બોર્ડર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં લખ્યું છે કે વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણના સરહદી વિસ્તારોમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોને દેશની અંદર સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવે છે.
દૂતાવાસે વધુમાં કહ્યું કે અમે ભારતીયોની સુરક્ષાને લઈને ઈઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છીએ. તમે કોઈપણ સમયે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 97235226748 અને ઈમેલ consl.telaviv@mea.gov.in પર કૉલ કરી શકો છો. આ સિવાય એમ્બેસીએ ભારતીયોને તેમના સ્થાનિક નેટવર્ક દ્વારા એડવાઈઝરી ફેલાવવા જણાવ્યું હતું. લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર સ્થિત માર્ગલિયોટ નજીકના બગીચામાં એન્ટી ટેન્ક મિસાઇલ છોડવામાં આવી હતી. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.
નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે હુમલા અંગે જણાવ્યું હતું કે, શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા શાંતિપૂર્ણ કૃષિ કામદારો પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને કારણે એક ભારતીય નાગરિકના મૃત્યુ અને અન્ય બે ઘાયલ થવાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ કામદારો ગઈકાલે બપોરે માર્ગલિયોટના ઉત્તરીય ગામમાં એક બગીચામાં ખેતી કરી રહ્યા હતા. શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલો માટે અમારી પ્રાર્થના અને સંવેદના.