ભારતે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 4-1થી જીતી લીધી હતી. છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રને હરાવ્યું હતું. ધર્મશાળામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 194 રન બનાવીને પડી ભાંગી હતી. જો રૂટે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. અશ્વિને પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી.
ત્રીજા દિવસે ભારતે 473/8ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. જેમાં ભારતે માત્ર ચાર રન ઉમેર્યા હતા અને ભારતની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. શોએબ બશીરે પાંચ જ્યારે જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીને 2-2 વિકેટ મળી હતી. ભારતે 259 રનની લીડ મેળવી લીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 103ના સ્કોર પર ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરના બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. જેક ક્રોલી (0), બેન ડકેટ (2), ઓલી પોપ (19), જોની બેરસ્ટો (39) અને કેપ્ટન બેન સ્ટોક્સ (2) વહેલી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, જો રૂટે એક છેડો જાળવી રાખ્યો હતો.
જો રૂટે સાવધાનીપૂર્વક રમીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, બીજા છેડેથી વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. બેન ફોક્સ (8), ટોમ હાર્ટલી (20), માર્ક વુડ (0), બશીર (13) પણ સસ્તામાં આઉટ થયા હતા. ભારત તરફથી આર અશ્વિને 5 જ્યારે કુલદીપ અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. અહીં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બીજી ટેસ્ટમાં પુનરાગમન કર્યું અને જીત મેળવી. રાજકોટ ટેસ્ટ મેચમાં તેનું વિજય અભિયાન ચાલુ રાખ્યું. રાંચીમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી પણ કબજે કરી હતી. છેલ્લી મેચમાં તેમને હરાવીને તેમણે ઈંગ્લેન્ડના ક્રિકેટરો સામે પોતાનો દરજ્જો દર્શાવી દીધો.