આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આજથી બે દિવસ પેટ્રોલ અને ડીઝલ નહીં મળે. તેનું કારણ છે પેટ્રોલ પંપ સંચાલકોની રાજ્યવ્યાપી હડતાળ. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં પેટ્રોલિયમ ડીલર્સ એસો. પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવા સહિતની અન્ય માંગણીઓ સાથે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે 10 માર્ચથી 12 માર્ચ સુધી રાજ્યમાં કોઈપણ વેપારી કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલની ખરીદી કે વેચાણ કરશે નહીં.
રાજસ્થાનમાં પેટ્રોલ પંપ સંચાલકોની રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત બાદ શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે વાહનોની લાઇનો જોવા મળી હતી. પેટ્રોલ પંપોની આ બે દિવસીય હડતાલ 10મી માર્ચની સવારે શરૂ થશે અને 12મી માર્ચની સવાર સુધી ચાલશે. જોકે હવે સંભવિત રીતે રાજસ્થાનમાં જો બે દિવસ પેટ્રોલ-ડીઝલ નહીં મળે તો ગુજરાતના બોર્ડર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપો પર લાઇન લાગી શકે છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારો બોર્ડર નજીક હોઇ ત્યાં પેટ્રોલ-ડીઝલ માટે વાહનોની લાઇન લાગી શકે છે.
રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્યોની વર્ચ્યુઅલ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવો, ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર કમિશનમાં વધારો ન કરવો અને લ્યુબ ઓઈલ અને પ્રીમિયમ ઉત્પાદનોની ફરજિયાત સપ્લાય જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાઓના પ્રમુખો, સચિવો અને આરપીડીએના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
આ તરફ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા આ માંગણીઓને લઈને જયપુરમાં 11 માર્ચે સ્ટેચ્યુ સર્કલથી સચિવાલય સુધી ડીલરોની મૌન રેલી પણ કાઢવામાં આવશે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ભાટીની સહી સાથે આ અંગેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે.