Bharat Jodo Nyay Yatra : આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે. આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. હાલ બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા છે. જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા.
બારડોલીમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હિન્દૂ સંગઠને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. બારડોલી સર્કલ પર કાર્યકરો સામસામે આવી ગયા હતા તેમજ ઉગ્ર નારેબાજી વચ્ચે હાતાપાઈ પર ઉતરી આવ્યા હતા. હિન્દૂ સંગઠનના કાર્યકરોએ ‘જો રામ કા નહીં, વો કિસી કામ નહીં’ના નારા લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ કાર્યકરોએ ‘રાહુલ ગાંધીના સબકો જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આવી સમર્થકોને છુટા પાડ્યા હતા.