રાજ્યમાં આજે ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે. જે માટે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેકમાં સેન્ટર સુધી પહોંચશે. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરાયા છે. આ ઉપરાંત આજે 1.65 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે.
બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો પણ સ્ટેન્ડ ટુ રહેશે. વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાશે, અકસ્માતમાં થાય કે પછી સ્લીપ ખોવાય તો પોલીસની મદદ માંગી શકે છે. બોર્ડની પરીક્ષાના મહત્વના ડોક્યુમેન્ટ ખોવાય તો પણ પોલીસ મદદે આવશે. આ માટે પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરવાનો રહેશે. પોલીસ વિદ્યાર્થીઓને સમયસર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરશે. અમદાવાદ શહેર પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્ટેન્ડ ટુ રહેશે તેવા આદેશ ડીસીપી કોમલ વ્યાસ દ્વારા જાહેર કરાયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ ૧૦ અને ૧૨ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી.
આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થશે. આજે રાજ્યના અલગ અલગ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો પહોંચશે. વિદ્યાર્થીઓ પણ એક દિવસ પહેલા તેમના માતા પિતા સાથે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે, તો 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. રાજ્ય ભરમાં ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. આ સાથે 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. રાજ્યની અલગ અલગ 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવા સૂચના છે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાનુકૂળ વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી શકે તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.