સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલા બે વિદ્યાર્થીએ વિઝા કન્સલ્ટન્ટને ધોરણ 10, 12ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતના અસલી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, પરંતુ સીઆઈડી ક્રાઇમની તપાસમાં બંને વિદ્યાર્થી નકલી ડોક્યુમેન્ટ્સના આધારે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેથી પોલીસે વિઝા કન્સલ્ટન્ટ સામે ગુનો નોંધી અસલી અને નકલી ડોક્યુમેન્ટ્સના વધુ એક કૌભાંડની તપાસ શરૂ કરી હતી.
ફરિયાદો મળતાં સીઆઈડી ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં એકસાથે 18 વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં દરોડા પાડ્યા હતા, જેમાં આંબાવાડીના નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સ ફોર ગ્લોબલ એસ્પિરન્ટ્સની ઓફિસમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસને 3571 વિદ્યાર્થીના વિઝાના ડોક્યુમેન્ટ્સ અને ફાઇલ મળ્યાં હતાં.
આ ડોક્યુમેન્ટ્સ ખરાઈ માટે એફએસએલ, ગુજરાત બોર્ડ અને જુદી જુદી યુનિવર્સિટીઓમાં મોકલી અપાયા હતા, જેમાં સચિનકુમાર ચૌધરી અને મિહિર રામી નામના વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. બંનેએ કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ પાસે કામ કરાવ્યું હોવાનું બંનેના વાલીઓએ જણાવતાં સીઆઈડી ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
સચિનની ધોરણ 10, 12ની માર્કશીટ, ઉદયપુરની યુનિ.નું ડિપ્લોમા સર્ટિ, એસબીઆઈનો લોન સેન્ક્શન લેટર, નોટરી રીટા ડી. ગાંધીનું સ્પોન્સરશિપ અંગેનું સોગંદનામું, મકાનનો વેલ્યૂ રિપોર્ટ જ્યારે મિહિર રામીની 10, 12ની માર્કશીટ, સૌરાષ્ટ્ર યુનિ.ની ડિગ્રી, લોન સેન્ક્શન લેટર, નોટરી રીટા ડી. ગાંધીનું સોગંદનામું મળ્યાં હતાં. બંનેના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બંનેએ વિશાલને અસલી ડોક્યુમેન્ટ્સ જ આપ્યા હતા.
મિહિર અને સચિનના પિતાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યંુ હતું કે, તેમણે બંનેને સ્ટુડન્ટ વિઝાના આધારે ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ વિશાલ પટેલને આપ્યું હતું, જેના માટે વિશાલે બંને પાસેથી રૂ. 3-3 લાખ લીધા હતા તેમ છતાં તેણે મિહિર અને સચિનને સ્ટુડન્ટ વિઝાના આધારે ઓસ્ટ્રેલિયા મોકલવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હોવા અંગે બંને વિદ્યાર્થીના પરિવારના સભ્યો અજાણ હતા.