આવી રાજ્યમાં શિયાળાએ વિદાય લેતા ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનું જોર વધશે. જો કે આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત છે. આગામી અઠવાડિયા સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતુ તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોધાયું છે. આજે અમરેલીમાં સૌથી વધુ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગની વધુ એક વાર આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અત્રે જણાવીએ કે, રાજ્યના વાતવરણમાં હવે ધીરે ધીરે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે. એટલે કે, સામાન્ય ગરમીની શરૂઆત થઈ રહી છે. હવે શિયાળાએ વિધીવત રીતે વિદાય લીધી છે જેને કારણે માર્ચના બીજા સપ્તાહથી ઠંડી પણ ઘટી રહી છે. રાજ્યનું હવામાન શુષ્ક છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ વરસાદની કોઇ આશંકા નથી જો કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનું જોર વધશે. પરંતુ હજુ લોકોને સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.
મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણનું કહેવું છેકે આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે. જોકે વરસાદનું હાલ કોઇ અનુમાન નથી. તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં પરંતુ ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જેને કારણે ગરમીનું પ્રમાણ વધશે. ગુજરાતના દરિયા કિનારાના ઉત્તર ભાગમાં હવાઓ ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ દિશાથી ફૂંકાવવાની આગાહી છે. જ્યારે દક્ષિણ બાજુના દરિયા કિનારે પવનની દિશા પશ્ચિમ બાજુની રહેશે. દરિયા કિનારે 20થી 25 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. આ સાથે જમીની વિસ્તારોમાં પણ હવાઓ ઉત્તર પશ્ચિમ બાજુથી ફૂંકાશે.
રાજ્યમાં ગત મહિનામાં ઠંડીનુ જોર ઘટતા ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઇ રહ્યો હતો પરંતુ ત્યારબાદ પવનની દિશા બદલાતા અને ઉત્તર ભારતમાં બરફ વર્ષાને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. જમ્મુથી લઈ પૂંછ અને ગુલમર્ગ સુધી ભારે બરફવર્ષાને લઈ જનજીવન પર અસર થઇ હતી. અનેક માર્ગો પર બરફ છવાતા બંધ થઇ ગયા હતા. ફેબ્રુઆરીના અંતિમ મહિનામાં આ બરફ વર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી હતી. અને ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો હતો. વહેલી સવારે અને મોડી સાંજે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેતો હતો. જો કે હવે ધીરીધીરે રાજ્યમાં ગરમીનું જોર વધશે.