લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરવા માંડ્યા છે ત્યારે જેમને ટિકિટ મળી છે એવા ઉમેદવારો પણ ટિકિટનો શ્રેય દેવી દેવતાઓને આપી બાધા આખડી પૂર્ણ કરતા હોય છે. ત્યારે સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ મેઘાઈ માતાના મંદિરે દર્શન કરી માનતા પૂર્ણ કરી હતી.ગઈકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી જેમાં ગુજરાતની સાત લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભીખાજી ઠાકોરની પસંદગી કરી છે. ત્યારે ભીખાજી ઠાકોરે ટિકિટ મળવા પાછળ સીસોદરા ગામે આવેલા મેઘાઈ માતાના આશીર્વાદથી ટિકિટ મળી હોવાનું જણાવી આજે ભીખાજી ઠાકોર તેમના ધર્મ પત્ની અને કાર્યકરો સાથે મેઘાઈ માતાએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા. માતાજીના ચરણે શ્રીફળ, ચૂંદડી, પ્રસાદ અર્પણ કરી 11 શ્રીફળ વધેરીને માનતા પૂર્ણ કરી હતી અને સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખ કરતા વધુ મતથી વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.