અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતને એક અઠવાડિયા જેટલો સમય થયો છે તેમ છતાં પણ હજુ સુધી આરોપી PI બી.કે. ખાચરનું ક્યાંક ઠેકાણું મળતું નથી. પોલીસે પણ હજુ સુધી તેની શોધખોળ શરુ કરી નથી કારણ કે આપઘાત પહેલા પી.આઈ ખાચર પત્ની બીમાર છે એવું કહીને રજા લઈને નીકળી ગયો હતો, તે રજા પર ગયો તે પછી વૈશાલીએ ગાયકવાડ હવેલીના ક્રાઈમ બ્રાન્ચના પરિસરમાં ઝેરી ઈન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો.
ત્યાં સુધી કે ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરતાં પીઆઈ ખાચરના સાથીઓને પણ ખબર નથી કે હાલમાં ખાચર ક્યાં છે. તે બીમાર પત્નીની દેખભાળને બહાને રજા લઈને ગયો હતો જે હજુ સુધી પાછો આવ્યો નથી. વૈશાલીએ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં આપઘાત કર્યો ત્યારે ખાચર પોલીસના વાર્ષિક સંમેલનના એક કાર્યક્રમમાં હતો અને ત્યાં જ તેને ખબર પડી હતી કે વૈશાલીએ આપઘાત કરી લીધો હતો, તરત તે ત્યાંથી નીકળી ગયો હતો અને કોઈ અજ્ઞાત જગ્યાએ જતો રહ્યો હતો. હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.
22 લોકોએ પોલીસને આપેલા નિવેદનોમાં વૈશાલીના આપઘાતમાં પીઆઈ ખાચરને જવાબદાર ઠેરવ્યો છે. એક ચોંકાવનારી વાત એ છે કે પોલીસે હજુ સુધી ખાચર સામે કોઈ ગુનો દાખલ કર્યો નથી કે તેની શોધખોળ પણ શરુ કરી નથી. તેની રજાઓ પૂરી થયા બાદ તે હાજર નહીં થાય તો તેની શોધખોળ કરવામાં આવશે. જોશી અને ખાચર વચ્ચે લગભગ પાંચ વર્ષ સુધી સંબંધો હતા પરંતુ એક દિવસ બોલાચાલી થતાં ખાચરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો જેને કારણે વૈશાલી ડિપ્રેશનમાં જતી રહી હતી અને પછી અંતિમ પગલું ભર્યું હતું. જોકે આપઘાત પહેલાના દિવસો સુધી તૈ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે આવતી અને ખાચર વિશે પૂછપરછ કરતી હતી. 6 માર્ચે પણ વૈશાલી આવતી હતી પરંતુ ખાચર ન મળતાં આપઘાત કરી લીધો હતો.