આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે. અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે લોકોને સંબોધન કરતા 29 વર્ષ જૂની વાત યાદ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઇ રહ્યો હતો. અને આ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં ફરીવાર દર્શન કર્યા છે. અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતુ. મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે. ભાજપ જ એક માત્ર એવી પાર્ટી છે કે જેણે ચા વેચનારા એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર કરાવી છે. તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના શાસને દેશને 10 વર્ષમાં સમૃદ્ધ કરવાનું કામ કર્યુ છે.નરેન્દ્રભાઇએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. તેમણે દેશની-માતાઓ બહેનોને 33 ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્થ કર્યો છે. વડાપ્રધાન મોદીએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનો સામે ઊભા રહેવાનો એક મંચ આપ્યો છે. ભાજપના રાજમાં આતંકવાદ,નક્સલવાદ, ઘૂષણખોરી નાબૂદ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 એક ઝાટકે નાબુદ કરાયા છે. PMએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી છે. આજે અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક પણ કરશે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ જવાબદારી સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે.