ચૂંટણી પંચે ગુરુવારે પોતાની વેબસાઈટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા અપલોડ કર્યો છે. વાત જાણે એમ છે કે, SBI એ 2018માં સ્કીમ શરૂ કરવામાં આવી ત્યારથી 30 હપ્તામાં રૂ.16,518 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી છે. SBIના એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા છે, જે આ ત્રણ મૂલ્યોના એટલે કે ₹1 લાખ, ₹10 લાખ અને ₹1 કરોડના છે. આ સમયગાળા દરમિયાન રિડીમ કરાયેલા બોન્ડની કુલ સંખ્યા 22,030 છે. ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર બે અલગ અલગ વિગતો અપલોડ કરી છે. પ્રથમ PDFમાં 337 પૃષ્ઠો છે, જેમાં ચૂંટણી બોન્ડ ખરીદતી કંપનીઓ અને સંસ્થાઓના નામ, ખરીદીની તારીખ અને નાણાં વિશેની માહિતી શામેલ છે. જ્યારે બીજી PDFમાં 426 પેજ છે, જેમાં રાજકીય પક્ષોના નામ, તારીખો અને રકમની વિગતો આપવામાં આવી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે કઈ કંપની કે સંસ્થાએ કયા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે, કારણ કે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર સહિતની વિગતો આપવામાં આવી નથી. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું નથી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને ફંડ આપ્યું છે.