ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ બબાલ બાદ આજે નવી હોસ્ટેલ ને લઈને સમાચાર મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના બ્લોકમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. જેને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તેમને A બ્લોકમાંથી NRI હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં વિદ્યાર્થીઓ NRI હોસ્ટેલમાં આવશે. NRI હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હોટેલના રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અગાઉ જે સુવિધાઓ મળતી હતી તેનાથી પણ વધુ સુવિધાઓ નવનિર્મિત NRI હોસ્ટેલમાં મળી રહેશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ટ્રાન્ઝિસ્ટ ગેસ્ટ હાઉસની બાજુમાં NRI હોસ્ટેલ બનાવવામાં આવી છે. બે દિવસ અગાઉ જ NRI હોસ્ટેલને ફાયર NOC મળી છે. જેથી વિદ્યાર્થીઓને આગામી 2 દિવસમાં હોસ્ટેલમાં ખસેડવામાં આવશે. અગાઉની હોસ્ટેલ AESની માલિકીની જગ્યામાં હતી. જેનું યુનિવર્સિટી ભાડું ચૂકવતી હતી. જ્યારે નવી હોસ્ટેલ યુનિવર્સિટીની માલિકીની જગ્યામાં જ ઊભી કરવામાં આવી છે. નવી હોસ્ટેલ ચાર માળની છે, જેમાં દરેક માળ પર 20 રૂમ છે તથા ગ્રાઉન્ડ ફ્લોર પર 12 રૂમ છે એટલે કુલ 92 રૂમ છે.
NRI હોસ્ટેલના દરેક રૂમમાં હોટેલના રૂમ જેવી સુવિધા છે. હોસ્ટેલમાં ગેટથી લઈને રૂમ સુધી તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક રૂમની બહાર ફાયર સેફ્ટી રાખવામાં આવી છે. NRI હોસ્ટેલના રૂમમાં બે અલગ અલગ બેડ રાખવામાં આવ્યા છે, જેમાં બે વિદ્યાર્થીઓ રહી શકશે. આ ઉપરાંત દરેક રૂમમાં એસી રાખવામાં આવ્યું છે. રૂમમાં RO સિસ્ટમ અને કિચન પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત કબાટ અને અન્ય ફર્નિચર પણ છે. દરેક રૂમમાં અલગ બાથરૂમ આપવામાં આવ્યું છે. અગાઉ વિદેશી વિદ્યાર્થીઓને રૂમમાં રહેવા તથા કિચનની સુવિધા હતી. ત્યારે હવે એસી, કબાટ, RO સિસ્ટમ અને રૂમમાં જ કિચનની નવી સુવિધા આપવામાં આવી છે. અગાઉની હોસ્ટેલ ખંડેર હાલતમાં હતી. ત્યારે નવી હોસ્ટેલનું બિલ્ડિંગ હોટેલના બિલ્ડિંગ જેવું છે. આ ઉપરાંત હોસ્ટેલ બહાર એક એક્સ આર્મી મેન સિક્યોરિટી માટે રાખવામાં આવ્યા છે અને મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.