મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા હતા.
પોલીસે હાલ 7 આરોપીની ઓળખ કરી લીધી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે. બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. આ અંગે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે A બ્લોકમાં તોડફોડ તથા મારામારી મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.જે મામલે કુલ નવ ટીમ તપાસ કરી રહી છે.ટીમે તપાસના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં બપોર બાદ બહારની વ્યક્તિઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. કુલપતિ અને રજિસ્ટ્રાર A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. A બ્લોક બહાર એક PSI સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. જ્યારે યુનિવર્સિટીના પણ 10થી વધુ સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે.હોસ્ટેલમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.