ઈન્ડિયન પ્રીમિયર લીગની તર્જ પર મહિલાઓ માટે શરૂ થયેલી ટી20 લીગની બીજી સિઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે રહી. સતત બીજી વખત ફાઇનલમાં પહોંચતા દિલ્હી કેપિટલ્સનું ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઇ ગયું. ઓસ્ટ્રેલિયા માટે 7 આઇસીસી ટ્રોફી જીતનારી મેગ લેનિંગ આ હાર બાદ ખૂબ જ ઉદાસ દેખાઇ હતી. તે ડકઆઉટમાં રડતી જોવા મળી હતી.
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિમાં રવિવાર 17 માર્ચે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિજય નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વખત તે આ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે સુકાની સ્મૃતિ મંધાનાએ પણ ફ્રેન્ચાઈઝીના ટ્રોફી જીતવાના ચાલી રહેલા દુકાળનો અંત આણ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે સારી શરૂઆત કર્યા બાદ સતત વિકેટ ગુમાવવાના કારણે માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબીએ 19.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા માટે 7 ICC ટ્રોફી જીતનાર ચેમ્પિયન કેપ્ટન દિલ્હી કેપિટલ્સ ટીમને વુમન્સ પ્રીમિયર લીગનું ટાઈટલ અપાવી શકી નહીં. સતત બીજી આવૃત્તિમાં ફાઇનલમાં પહોંચેલી આ ટીમને ફરીથી રનર અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. મેચમાં હાર બાદ કેપ્ટન લેનિંગ ડગઆઉટમાં રડતી જોવા મળી હતી. હાર બાદ તે પોતાના આંસુ રોકી શકી નહોતી.
આરસીબી સામેની ફાઈનલ હાર બાદ લેનિંગે કહ્યું કે, અમારી ટીમ આજની રાતની મેચમાં સારું રમી શકી ન હતી. અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ આજની મેચમાં તેને જાળવી શક્યા નહીં. જીત માટે RCB ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેઓએ આ ફાઇનલમાં અમારી ટીમને દરેક વિભાગમાં પાછળ છોડી દીધી પરંતુ મને ટીમના પ્રયાસ પર ગર્વ છે. આ મેચમાં અમે ખૂબ જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. આરસીબીની ટીમ આ જીતની હકદાર હતી.