લોકસભા ચૂંટણી 2024માં નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસમાંથી સી.આર.પાટીલ સામે કોણ ચુંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે.સ્થાનિક નેતાઓ દ્વારા મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. જોકે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચુંટણી જંગમાં ન ઉતરે એનો સંદેશ આપ્યો છે. મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચુંટણી લડવુ તેમણે વિચારવાનું છે, કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે.