અમેરિકાની વાયુ સેનાએ પ્રશાંત મહાસાગરમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરીને સૌને ચોકાવી દીધા છે. યુએસ એરફોર્સના જણાવ્યા અનુસાર રવિવારે ગુઆમ સૈન્ય મથક પરથી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક B-52 બોમ્બરે એર-લોન્ચ્ડ રેપિડ રિસ્પોન્સ વેપન (એઆરઆરડબ્લ્યુ) વહન કર્યું હતું અને થોડા સમય પછી તેને લોન્ચ કર્યું હતું. જોકે પરીક્ષણ સફળ રહ્યું કે નહીં તેનો ખુલાસો યુએસ એરફોર્સે કર્યો નથી.
ગુઆમ પ્રશાંત મહાસાગરમાં ચીનની નજીકનો એક ટાપુ છે, જ્યાં અમેરિકાનું લશ્કરી મથક અને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ ચીનની નજીક ARRW અથવા કોઈપણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ચીન સહિત સમગ્ર પ્રશાંત ક્ષેત્ર માટે મોટો સંદેશ છે. ડિફેન્સ ન્યૂઝ અનુસાર યુએસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પરીક્ષણ પેન્ટાગોન પર હાઈપરસોનિક હથિયારોની રેસમાં રહેવા માટે વધતા દબાણ વચ્ચે આવ્યું છે. અમેરિકા લાંબા સમયથી દબાણમાં છે કારણ કે તેના બે મોટા હરીફ ચીન અને રશિયાએ આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.