લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે ગુરુવારે કોગ્રેસ પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો IT, ED, ચૂંટણી પંચ જેવી બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોવો જોઈએ.
કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કમનસીબે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો બહાર આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે. ખડગેએ કહ્યું કે ચૂંટણી ડોનેશન બોન્ડ જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ અંતર્ગત વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાને કાવતરાપૂર્વક ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને અમે સમાન રીતે ચૂંટણી લડી શકીએ નહીં. પૈસા આ શાસક પક્ષની ખતરનાક રમત છે તેના દૂરગામી અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે.
આ સાથે ખડગેએ કહ્યું કે, શાસક પક્ષ દ્વારા ખતરનાક રમત રમાઈ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોઈપણ રાજકીય પક્ષને લાચાર બનાવીને ચૂંટણી લડવામાં અડચણો ઉભી કરવી તેને નિષ્પક્ષ ચૂંટણી કહી શકાય નહીં. સામાન્ય નાગરિકો જોઈ શકે છે કે, ભાજપને ચૂંટણી ડોનેશન બોન્ડમાંથી 56 ટકા પૈસા મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર 11 ટકા જ મળ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે અમે લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બોન્ડથી ભાજપને ઘણો ફાયદો થયો છે. વડાપ્રધાન કોંગ્રેસને અપંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુ ગંભીર મુદ્દો છે, લોકશાહી પર હુમલો છે.