ભાવિન પટેલ મર્ડર, લૂંટ, અપહરણ જેવા ગંભીર ગુના ઉપરાંત ચોરી, ધાડ જેવા ગુનાના પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ઘણીવાર પોલીસ ડાૅગ દ્વારા ગુનો ડિટેકટ કરવામાં મદદ મળે છે. જેથી હવે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા પણ ગુજરાત પોલીસ એક સ્પેશિયલ ડાૅગ સ્ક્વોડ બનાવવા જઈ રહી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જેને એન્ટિ નાર્કોટિક્સ ડાૅગ સ્ક્વોડ નામ આપવામાં આવ્યું છે. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા આ અભિગમ સૌપ્રથમ વાર અપનાવવામાં આવ્યો છે. પોલીસ દળમાં જુદા જુદા પ્રકારના ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ પ્રજાતિના ટ્રેન્ડ ડાૅગનો ઉપયોગ કરવામાં આવે છે .
જે તેની સૂંઘવાની શક્તિથી આરોપીનું પગેરું પોલીસને આપે છે. હવે જ્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગે, બોર્ડર એરિયામાંથી અને હવાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરી કરાવવાના કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે તસ્કરો જુદી જુદી રીતે સામાનમાં છુપાવીને ડ્રગ્સની ઘૂસણખોરી કરાવી રહ્યા છે. જેમાં મોટે ભાગે બાતમીદારોના નેટવર્ક ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ છુપાવીને લઈ જવાતાં ડ્રગ્સના જથ્થાને પકડવા માટે એક ખાસ પ્રકારના તાલીમબદ્ધ ડાૅગ સ્ક્વાૅડની આવશ્યકતા જણાઈ હતી. જેથી જ ગાંધીનગર ખાતે યોજાયેલી મિટિંગમાં રાજ્ય સ્તરે એન્ટિ નાર્કોટિક્સ ડાૅગ સ્ક્વાૅડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એન્ટિ ડાૅગ સ્ક્વૉડની રચના કરવી જરૂરી કેમ?
{ તાજેતરમાં પોરબંદરના દરિયાઇમાર્ગેથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટના કાર્ગોમાંથી ડીઆરઆઇએ મોટા જથ્થામાં ડ્રગ્સ પકડ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે કે હાલમાં દરિયાઇ માર્ગો, એરપોર્ટ, અને રેલવે દ્વારા છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે જે ડ્રગ્સ પકડાય છે મોટા ભાગે બાતમીના આધારે પકડાય છે. એટલું જ નહીં ડ્રગ્સ ઘૂસાડવા માટે રુટ્સ અને દર વખતે જુદીજુદી મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવે છે. આમ ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવવા માટે બાતમી પર આધાર રાખવો ન પડે માટે એન્ટિ ડાૅગ સ્કવાૅર્ડની રચના કરવી જરૂરી હતી.