લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં મોડીરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. SMCએ ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી દારૂની 3210 પેટી જપ્ત કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોઈ, દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસને આખી રાત લાગી હતી. આ સાથે 10 આરોપીની પણ ધરપકડ કરી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખસોની અટકાયત કરી હતી. વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે.
SMCના Dy.sp કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત શંકરલાલ પટેલ નામના શખસે લાલપરના ભવાનીસિંહ પાસેથી પાંચ મહિના પહેલાં ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતાં ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો સ્થળ પરથી મળ્યાં છે, જેની કિંમત 66.55 લાખ થાય છે તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોઈ, એસએમસીની ટીમેને રાતભર ગણતરી કરવી પડી હતી.