લોકસભા ચૂંટણીને લઈ આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલે છે. તમિલનાડું અને પુડુચેરીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલે જ થશે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપે 4 બેઠકો જેવી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢના બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ રાજ્યની 22 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી છે. ભાજપે પુડુચેરી લોકસભા સીટ પર એ. નમાસિવાયમ તેના ઉમેદવાર તરીકે છે. આ બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમ અહીંથી સાંસદ છે. કોંગ્રેસે તેમને ફરી એકવાર તક આપી છે.
ભાજપની ચોથી યાદીમાં તમિલનાડુના 15 ઉમેદવારોના નામ છે. આ પહેલા એક દિવસ પહેલા ભાજપે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી, જેમાં તમિલનાડુના 9 ઉમેદવારોના નામ હતા. ત્રીજી યાદીમાં તામિલનાડું બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. ત્રીજી યાદીમાં બીજું સૌથી મોટું નામ તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનનું હતું. ભાજપે તેમને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપી છે. તમિલિસાઈ સૌંદરરાજન તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.