અમદાવાદના બોપલમાં TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધુમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે જોતાં રોડની બીજી સાઇડ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જો કે, આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી. અને મોલમાંથી તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શક્યા હતા.બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલના સેન્ટર કોર્ટના પાંચમા માળે આવેલા સ્કાય ટ્રેમ્પોલિન બાળકો માટેના ગેમિંગ ઝોન આવેલો છે. આ ગેમિંગ ઝોનમાં આગની શરૂઆત થઈ હતી. આ આગ લાગતાની સાથે જ આખો માળ જેમાં ગેમ ઝોન આવેલું હતું તે આગની ચપેટમાં આવી ગયો હતો. ધીમે ધીમે આ આગ ચોથા માળ અને ત્યારબાદ ત્રીજા માળ સુધી પહોંચી હતી. પેન્ટાલૂન્સ શો રૂમ આગની ઝપેટમાં આવતા બચી ગયો હતો. ત્યારે મોલની સામે જ પેટ્રોલ પંપ આવેલો હતો જેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
જો કે, મોલમાં રહેલા તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને થિયેટર તરફના ભાગમાં આગ લાગી ન હતી પરંતુ સલામતીના ભાગ રૂપે થિયેટર તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારે મોલમાં આવેલા ગલ્સ પીજીમાં ફોન કરી એલર્ટ કરવામાં આવ્યું હતું. જેથી 100થી વધુ ગલ્સને પીજીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને હોટલ મેપલ અને બે હોસ્પિટલમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરી નીચે સહીસલામત ઉતારી લેવામાં આવ્યા હતા.
મોલમાં આગના કારણે લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. જોકે, આગ લાગી હોવાનું જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયરના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. જો કે, લોકોની ભીડના કારણે ફાયર બ્રિગેડની ટીમને આવવામાં અને કામ કરવામાં તકલીફ પડી હતી. પરંતુ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શક્યા હતા. આ સાથે જ 4 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
જો કે, મોલમાં આવેલા ગેમિંગ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગેમિંગ ઝોનમાં રહેલા રબરના કારણે આગ વિકરાળ બની હતી. આગ વધારે લાગી અને અન્ય ભાગમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આગ 10.30 વાગ્યા બાદ લાગી હતી. ત્યારે 10 વાગ્યે ગેમ ઝોન બંધ થઇ ગયું હોવાથી આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહતી.
સ્કાય ટ્રેમ્પોલિનમાં આગ લાગી હતી. ત્યારબાદ આ આગ પાંચમા માળથી ચોથા માળે અને ત્યારબાદ ત્રીજા માળે પ્રસરી હતી. જો કે, ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું હતું. ત્યારબાદ તેમણે સિસ્ટમેટિક તેમના પ્લાન પ્રમાણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અને મોલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટના મામલે બોપલના પીઆઇએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. ગેમિંગ ઝોન 10 વાગ્યે બંધ થઈ ગયું હતું.