લોકસભા ચૂંટણી પહેલા પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનની કોઈ વાત થઈ નથી. પંજાબ BJP અધ્યક્ષ સુનીલ જાખરે વીડિયો સંદેશ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. જાખરે કહ્યું કે, રાજ્યમાં લોકો અને પાર્ટી કાર્યકર્તાઓના અભિપ્રાયના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબની 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને અકાલી દળ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદો હતા જેના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન પર વાતચીત થઈ શકી ન હતી. અકાલી દળે 9 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બાકીની ચાર બેઠકો ભાજપને આપવાની ઓફર કરી હતી. જોકે ભાજપે PM મોદીની વ્યાપક લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરતા મોટો હિસ્સો માંગ્યો હતો.
SAD એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ભાગ રૂપે ભાજપ સાથે પંજાબમાં 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શક્યા ન હતા. કોંગ્રેસે 13માંથી 8 બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને હોશિયારપુર સીટ ભાજપને ગઈ. અકાલી દળે ફિરોઝપુર અને ભટિંડા બેઠકો જીતી હતી. સંગરુર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.
કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં શિરોમણી અકાલી દળે સપ્ટેમ્બર 2020 માં ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ખેડૂતોના વ્યાપક વિરોધ બાદ મોદી સરકારે ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા હતા. સુનીલ જાખરે કહ્યું કે, પંજાબના યુવાનો, ખેડૂતો, વેપારીઓ, મજૂરો અને દરેકના ભવિષ્ય માટે ભાજપે રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં પંજાબમાં જે કામ થયું છે તે અન્ય કોઈએ કર્યું નથી.
MSP પર કાયદો લાવવાની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર વિરોધ કરી રહ્યા છે. આના પર પંજાબ BJPના વડાએ સુનીલ જાખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પાક પર MSP જાહેર કરવામાં આવી છે તે તમામ પાક MSP પર ખરીદવામાં આવી રહ્યા છે અને થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કરતારપુર કોરિડોર જેના માટે લોકો દાયકાઓથી વિનંતી કરી રહ્યા હતા તે વાહેગુરુના આશીર્વાદથી PM મોદીના કારણે જ શક્ય બન્યું. કરતારપુર કોરિડોર ભારતીય શીખોને પાકિસ્તાનમાં સરહદ પાર સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં વિઝા-મુક્ત ‘દર્શન’ પ્રદાન કરે છે. સુનીલ જાખરે કહ્યું કે, અમે પંજાબના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે પંજાબના લોકો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપીને દેશની પ્રગતિમાં સાથ આપશે.