ચીને તેના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં અન્ય એક દેશનો સમાવેશ કર્યો છે. વાત જાણે એમ છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોમવારે બેઇજિંગમાં નાઉરુ રાષ્ટ્રપતિ વિડ એડીયાંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે, બેઠક દરમિયાન શી જિનપિંગે કહ્યું હતું કે, અમે બેલ્ટ એન્ડ રોડ પહેલમાં સામેલ થવા માટે નાઉરુ (Nauru)નું સ્વાગત કરીએ છીએ.જાન્યુઆરીમાં નાઉરુ (Nauru)એ ચીનના દુશ્મન ગણાતા દેશ તાઈવાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા અને ત્યાર બાદ તરત જ તેણે ચીન સાથે રાજદ્વારી સંબંધો ફરી શરૂ કર્યા હતા. રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા બાદ નાઉરુ (Nauru)ના રાષ્ટ્રપતિની ચીનની આ પ્રથમ મુલાકાત છે. રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવાના નાઉરુ (Nauru)ના નિર્ણય પર શી જિનપિંગે કહ્યું કે, રાજનૈતિક સંબંધો પુનઃસ્થાપિત કરવાનો નાઉરુ (Nauru)નો રાજકીય નિર્ણય એ એક પગલું છે જે ઇતિહાસ અને સમયની માંગને અનુરૂપ છે. શીએ એમ પણ કહ્યું કે, જ્યારે પણ મિત્રતા શરૂ કરવામાં આવે છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ હોવું જોઈએ. સંબંધોનું કદ ગમે તેટલું હોય તે પ્રામાણિક હશે ત્યાં સુધી તે ફાયદાકારક રહેશે.
રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે, ચીન-નાઉરુ (Nauru) સંબંધોએ ઈતિહાસમાં એક નવો અધ્યાય ખોલ્યો છે. ચીન-નાઉરુ (Nauru) સંબંધોનું વધુ સારું ભવિષ્ય બનાવવા અને બંને દેશોના લોકોને વધુ લાભ પહોંચાડવા માટે ચીન નાઉરુ (Nauru) સાથે કામ કરવા તૈયાર છે. આ બેઠક બાદ નાઉરુ (Nauru)ના પ્રમુખે સાથે મળીને કામ કરવાની અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત પણ કરી હતી.
ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ જેને વન બેલ્ટ વન રોડ અને ન્યુ સિલ્ક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ ઘણા દેશોમાંથી પસાર થઈ રહ્યો છે તેને શી જિનપિંગની વિદેશ નીતિનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આ માટે ચીનની સરકાર 2013થી 150થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રોકાણ કરી રહી છે. આ દ્વારા ચીન પોતાને વિશ્વના ઘણા દેશો સાથે જોડવા માંગે છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ચીનની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થશે. વન બેલ્ટ વન રોડ એ ચીન દ્વારા પ્રાયોજિત એક યોજના છે જેમાં એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોને જૂના સિલ્ક રોડના આધારે રોડ અને રેલ્વે દ્વારા જોડવામાં આવનાર છે.
ચીનનો આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પર ભારતે ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. ભારત પહેલાથી જ કહેતું આવ્યું છે કે, ચીનનો આ પ્રોજેક્ટ નાના દેશોને ચીનના દેવામાં ડૂબી જશે. ભારતે હંમેશા કહ્યું છે કે, બેલ્ટ એન્ડ રોડ પહેલ આંતરરાષ્ટ્રીય કાયદાઓને ધ્યાનમાં રાખીને અને તમામ દેશોની સંમતિથી પૂર્ણ થવી જોઈએ. ભારત આ પ્રોજેક્ટથી સતત દૂર રહ્યું છે. આ વિષય પર 2017, 2019 અને 2023માં આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠકો યોજાઈ છે, જેમાંથી ભારતે પોતાને દૂર રાખ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે 2017માં આ પ્રોજેક્ટ સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, કનેક્ટિવિટી પ્રોજેક્ટને એવી રીતે આગળ વધારવો જોઈએ કે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે.