લોકસભા ચૂંટણી ની જાહેરાત થઇ ગઈ છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ સાથે ચૂંટણીપંચ ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઇ રહે તે માટે એકશનમાં છે.
લોકસભા ચૂંટણી ને લઈ સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરાઇ છે.કોઇપણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજકીય પક્ષના પ્રચાર માં સરકારી કર્મચારી જોડાઈ શકશે નહી . મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહી. એટલું નહીં સરકારી કર્મચારી પોતાના વાહન પર રાજકીય સ્ટીકર લગાવી શકશે નહી અને ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર માટે કાર્ય કરી શકશે નહીં.. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે આવનારી લોકસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચ એકશનમાં આવી ગયું છે. રાજ્યમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ જાહેરાત દૂર કરાઈ છે. ખાનગી મિલકતો પરથી 58 હજાર જાહેરાત દૂર કરાઈ છે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૂપિયા 1.16 કરોડની રોકડ જપ્ત કરાઈ છે, 11.44 કરોડની કિંમતના સોના-ચાંદી પકડાયુ છે.. અત્યાર સુધી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે, અત્યાર સુધી 4 હજારથી વધુ ફરિયાદો મળી છે. કંટ્રોલ રૂમ, NGPS, ટપાલ, સિ-વિજીલ અને ઈ-મેઈલથી ફરિયાદો મળી છે. નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ મતદાર ઓળખ પત્ર અંગે 2459 ફરિયાદો મળી છે. મતદાર યાદી સંદર્ભે 249 ફરિયાદો મળી છે. મતદાર કાપલીની 49 ફરિયાદો મળી છે જ્યારે રાજકીય પક્ષો દ્વારા આચાર સંહિતા ભંગની 2 ફરીયાદ મળી છે. આ ઉપરાંત પક્ષોના ચિહ્ન અને વાહનો પર સ્ટીકર લગાવવા અંગેની ફરીયાદ મળી છે. બન્ને ફરિયાદો ભાજપ તરફથી કરવામાં આવી છે. સરળતાથી દૂર કરી શકાય તેવા સ્ટીકર તથા ઝંડા લગાવી શકાય છે.