અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં માલવાહક જહાજ સાથે અથડાવાને કારણે પુલ ધરાશાયી થતાં ગુમ થયેલા તમામ છ લોકોના મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું છે. હકીકતમાં મંગળવારે બાલ્ટીમોર શહેરના ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ અથડાયું હતું. આ અથડામણને કારણે થોડી જ સેકન્ડોમાં આખો પુલ તૂટી પડ્યો અને ભયંકર રીતે નદીમાં પડી ગયો. આ જહાજમાં સવાર તમામ 22 સભ્યોના ક્રૂ મેમ્બર ભારતીય હતા અને તમામ સુરક્ષિત છે.
આ જહાજ બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે, 300 મીટર લાંબુ આ જહાજ પુલના એક પિલર સાથે અથડાયું હતું. જેના કારણે અનેક વાહનો અને 20 જેટલા લોકો પટાપ્સકો નદીમાં પડી ગયા હતા. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજના ક્રૂએ અથડામણ પહેલા ઇલેક્ટ્રિકલ સમસ્યાઓની જાણ કરી હતી.સિનર્જી મરીન જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર-ધ્વજવાળા કન્ટેનર જહાજ ‘DALI’ (IMO 9697428) ના માલિકો અને સંચાલકોએ અહેવાલ આપ્યો કે, 26 માર્ચે સ્થાનિક સમય અનુસાર લગભગ 1:30 વાગ્યે જહાજ બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજના બે થાંભલાઓમાંથી એક પર અથડાયું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બંને પાઇલટ સહિત તમામ ક્રૂ મેમ્બરોને શોધી કાઢવામાં આવ્યા છે અને ઇજાના કોઇ અહેવાલ નથી.
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, 8 નોટ (9 માઇલ પ્રતિ કલાક)ની ‘ઝડપી’ ઝડપે આગળ વધી રહેલું જહાજ થોડી ક્ષણો પહેલાં પુલના થાંભલા સાથે અથડાયું હતું. મેડે (ઇમરજન્સી) કૉલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમની સતર્કતાને કારણે અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી વાહનોને પુલ પર જતા અટકાવ્યા હતા. અમે આભારી છીએ કે, મેડે અને અકસ્માતની વચ્ચે અમારી પાસે એવા અધિકારીઓ હતા જેમણે સમયસર ટ્રાફિક બંધ કર્યો. જહાજના ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ લોકો હીરો છે. તેમણે ગઈ રાત્રે લોકોના જીવ બચાવ્યા.