પૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે બીજી મુલાકાત કર્યાં બાદ ગોવિંદા શિવેસનામાં જોડાશે તેવી અટકળો ચાલવા લાગી હતી જે આજે સાચી પડી છે. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે ઘેર જઈને ગોવિંદાને મળ્યા હતા આ પછી વાત પાક્કા પાકે થઈ હતી અને તેઓ વિધિવત રીતે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં હતા.
ગોવિંદાને મુંબઇ-ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કિર્તીકર સામે ટક્કર મળે તેવી શક્યતા છે. 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ નોર્થ લોકસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે બાદમાં ગોવિંદાએ કોંગ્રેસ પાર્ટી અને રાજનીતિ સાથે સંબંધ તોડીને 2009ની લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે 2024માં બીજી વાર ચૂંટણી લડશે.
ગોવિંદાનું આવવું એકનાથ શિંદેની શિવસેના માટે મોટા ફાયદા સમાન છે. હાલમાં એકનાથ શિંદે એનસીપી અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં મહા વિકાસ અઘાડીને પણ ટક્કર મળી શકે. મહા વિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષ કોંગ્રેસ, સેના (યુબીટી) અને એનસીપી (શરદચંદ્ર પવાર) મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છે. શિવસેના (યુબીટી)એ કહ્યું છે કે તે રાજ્યની 22 બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ મુંબઈની છમાંથી ત્રણ બેઠકો – નોર્થ વેસ્ટ, નોર્થ સેન્ટ્રલ અને સાઉથ સેન્ટ્રલની માગણી કરી રહી છે. આ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન થાય છે કે નહીં તે જોવું રહ્યું. મહારાષ્ટ્રની 48 બેઠકો માટે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે.