કેન્દ્ર સરકારે નરેગામાં સામેલ કામદારો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારો માટે નવા વેતન દરો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર જાન્યુઆરી 2024 સુધીમાં મનરેગામાં 14.28 કરોડ સક્રિય કામદારો છે. નવા દરો અનુસાર હવે દરેક રાજ્યમાં કામદારોને વધુ વેતન મળશે. નોંધનીય છે કે, ગોવામાં સૌથી વધુ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં સૌથી વધુ 10.56 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 3.04 ટકાનો વધારો થયો છે. આ સાથે ગુજરાતમાં દૈનિક વેતન 280 રૂપિયા જાહેર કરાયું છે.
નાણાકીય વર્ષ 2023-25 માટે વેતન દરોમાં આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા 1 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવશે. ગોવાના કામદારોને પહેલા રોજના 322 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 356 રૂપિયા પ્રતિદિન થઈ ગયા છે. કર્ણાટકમાં મનરેગાનો દર 349 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 316 રૂપિયા પ્રતિ દિવસ હતો.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મજૂરોનો વેતન દર 221 રૂપિયાથી વધીને 243 રૂપિયા પ્રતિ દિવસ થયો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સંકળાયેલા મજૂરોનું દૈનિક વેતન 230 રૂપિયાથી વધીને 237 રૂપિયા થઈ ગયું છે. હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપમાં મનરેગા કામદારોના દરમાં 7 ટકાનો વધારો થયો છે. હવે તેમનું દૈનિક વેતન રૂ. 267.32 થી વધીને રૂ. 285.47 થઇ ગયું છે.
મનરેગા કાર્યક્રમની શરૂઆત ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2005માં કરવામાં આવી હતી. આ રોજગાર ગેરંટી યોજનાઓ છે અને આ હેઠળ સરકાર લઘુત્તમ વેતન નક્કી કરે છે, જેના પર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નોકરી પર રાખવામાં આવે છે. જેમાં તળાવો ખોદવા, ખાડાઓ બનાવવાથી માંડીને ગટર બનાવવા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે. જેમાં વર્ષમાં 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે. 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તેમણે મનરેગાના બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં મનરેગાનું બજેટ અંદાજે રૂ. 60,000 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 86,000 કરોડ કરવામાં આવ્યું હતું.