IPL 2024 ની 8મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 31 રનથી હરાવ્યું. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 246/5 રન જ બનાવી શકી હતી. તિલક વર્માએ મુંબઈ માટે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો અને 64 રનની શાનદાર ઈનિંગ પણ રમી, પરંતુ ટીમને વિજય રેખા પાર ન લઈ શક્યા. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે કદાચ મેચમાં તેમના માટે મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બોર્ડ પર મૂક્યો, જેનો મુંબઈ પીછો કરી શક્યું ન હતું. જો કે મુંબઈના બેટ્સમેનો ટીમને જીત અપાવવા માટે અંત સુધી પ્રયાસ કરતા રહ્યા, પરંતુ જીતી શક્યા ન હતા.
278 રન એટલે કે IPL ઈતિહાસના સૌથી મોટા ટોટલનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 56 (20 બોલ)ની ભાગીદારી કરી હતી. પરંતુ તેનો પહેલો ફટકો ચોથી ઓવરમાં ઈશાનના રૂપમાં લાગ્યો હતો જે 13 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મુંબઈએ રોહિત શર્માના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. જે પાંચમી ઓવરમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 26 રન (12 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા અને નમન ધીરે ત્રીજી વિકેટ માટે 84 રન (37 બોલ)ની ભાગીદારી કરી, જેણે ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી. પરંતુ આ ભાગીદારી 11મી ઓવરમાં નમન ધીરની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 30 રન (14 બોલ) બનાવીને આઉટ થયો હતો.
આ પછી તિલક વર્મા 15મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો જેણે 34 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 64 રન બનાવ્યા. આ પછી 18મી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન પંડ્યાએ 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારીને 24 રન બનાવ્યા હતા. આઉટ થતા પહેલા હાર્દિકે ટિમ ડેવિડ સાથે પાંચમી વિકેટ માટે 42 (23 બોલ)ની ભાગીદારી કરી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં બોર્ડ પર 277/3 રન બનાવ્યા, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો. હેનરિક ક્લાસને ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી, જેણે 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 80* રન બનાવ્યા. આ સિવાય અભિષેક શર્માએ 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડ્યો અને 16 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ પછી, અંતમાં, હેનરિક ક્લાસને 34 બોલમાં અણનમ 80 રન અને એઇડન માર્કરામે 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.
આ મેચ માટે બંને ટીમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લ્યુક વૂડને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. 17 વર્ષની ક્વેના માફાકાને તેનું સ્થાન મળ્યું. આ તેની ડેબ્યૂ મેચ હતી. બીજી તરફ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો જાનસેન અને ટી નઝરજનને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને ટ્રેવિસ હેડ અને જયદેવ ઉનડકટને સામેલ કરવામાં આવ્યા હતા. જો રેકોર્ડ પર નજર કરીએ તો હૈદરાબાદ સામે મુંબઈનો હંમેશા ઉપર હાથ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 12 અને હૈદરાબાદે 10 મેચ જીતી છે. જો છેલ્લી 5 મેચનો રેકોર્ડ જોઈએ તો તેમાં મુંબઈ ઈન્ડિયન્સનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. આ 5માંથી તેણે 4 મેચ જીતી હતી, જ્યારે હૈદરાબાદે એક મેચ જીતી હતી.