લાલ ટામેટાએ ખેડૂતોને રડાવ્યા છે. વલસાડમાં આજે ટામેટાના ખેડૂતોને યોગ્ય ભાવ નહી મળતા નારાજગી વ્યક્ત કરી અને ટામેટાને રસ્તા પર ફેક્યા હતા. ટામેટા નહીંવત ભાવે વેંચાતા હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. નારાજ ખેડૂતોએ નાનાપોંઢા APMCમાં વિરોધ નોધાવ્યો હતો. એટલુ જ નહી યાર્ડના ચેરમેનને પણ રજૂઆત કરી અને ખેડૂતોએ પોતાને પડતી હાલાકી વ્યક્ત કરી હતી. જિલ્લામાં ખેડૂતોને આજે ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી નારાજ થયેલા ખેડૂતોએ ટામેટાનો જથ્થો રસ્તા પર ફેક્યો હતો. કપરાડાના નાનાપોંઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતો વહેલી સવારથી પહોંચ્યા હતા. જોકે ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવે છે. એક સમયે 150 રુપિયે કિલો બજારમાં વેચાતા ટામેટાના આજે ખેડૂતોને ખર્ચ નીકળે તેટલા ભાવ પણ મળ્યા ન હતા જેથી યાર્ડના સત્તાધીશો સુધી મામલો પહોચ્યો હતો.
દૂરદૂરથી ટામેટા વેચવા માટે માર્કેટમાં આવે છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. જેને લઇને ખેડૂતોએ પુરતો ખર્ચો પણ મળતો નહી હોવાથી નુકશાન જઇ રહ્યુ છે. વલસાડના કપરાડામાં ખેડૂતોએ આજે રોષ વ્યક્ત કર્યો હતો. નાનાપોન્ઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અને ટામેટાના પુરતા ભાવ નહિ મળતા રસ્તા પર ખેડૂતોએ ટામેટા ફેક્યા હતા.
ટામેટા વેચવા આવેલા ખેડૂતોએ મીડિયાને જણાવ્યુ હતુ કે, પહેલા 24 કલાક માર્કેટ ચાલુ રહેતુ હતુ પરંતુ થોડા સમયથી ટાઇમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રણ વાગ્યાથી 10 વાગ્યા સુધીનો ટાઇમ યાર્ડમાં કરવામાં આવ્યો છે. ટાઇમમાં ફેરફાર કરવામાં આવતા ખેડૂતોને ટામેટાનો ભાવ મળ્યો ન હતો. જેને લીધે ખેડૂતો ખીજાઇ ગયા હતા અને ટામેટાને રસ્તા વચ્ચે જ ફેકી દીધા હતા. ત્યારબાદ ચેરમેન પાસે પહોચી વિરોધ વ્યક્ત કર્યો હતો.