AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વાત જાણે એમ છે કે, ગૃહ મંત્રાલયે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસને મંજૂરી આપી છે. નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈન પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી “પ્રોટેક્શન મની” તરીકે 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. અહી એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. કૈલાશ ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.
સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહાર જેલમાં ખંડણીનું રેકેટ ચલાવવાનો અને દિલ્હીની વિવિધ જેલોમાં બંધ હાઈપ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની વસૂલવાનો આરોપ છે. આ સિવાય ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ અને અન્ય તિહાર જેલના અધિકારીઓ રાજકુમાર અને મુકેશ પ્રસાદ પર વર્ષ 2019-22 વચ્ચે 12.50 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આ અંગે દિલ્હીના LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ પણ મોકલી હતી. આરોપ છે કે, સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના અન્ય અધિકારીઓએ પૈસાના બદલામાં પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો અને જેલમાં બંધ કેદીઓને જેલ મેન્યુઅલની વિરુદ્ધમાં ઘણી સુવિધાઓ આપી. મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને તત્કાલિન જેલ સત્તાવાળાઓ દ્વારા ન માત્ર જેલમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ અન્ય કેદીઓને મસાજ પણ કરાવ્યો હતો.
વાત જાણે એમ છે કે, ફેબ્રુઆરીમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ મામલે ગૃહ મંત્રાલયને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં CBIએ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાંથી હાઈ-પ્રોફાઈલ ખંડણીનું રેકેટ ચલાવી રહ્યો છે. CBIએ કહ્યું કે, જૈને ગેંગસ્ટર સુકેશ પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. સુકેશે આરોપ લગાવ્યો છે કે, 2018 થી 2021 વચ્ચે સત્યેન્દ્ર જૈને પોતે અથવા તેના સહયોગીઓ દ્વારા તેમની પાસેથી પૈસા પડાવી લીધા છે.
સત્યેન્દ્ર જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમની છેલ્લી જામીન અરજી આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને મની લોન્ડરિંગ કેસમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. અગાઉ તેમને 26 મે, 2023 ના રોજ વચગાળાના તબીબી જામીન આપવામાં આવ્યા હતા કારણ કે તેઓ જેલના બાથરૂમમાં પડી ગયા હતા. જામીનના સમયગાળા દરમિયાન તેણે કરોડરજ્જુનું ઓપરેશન કરાવ્યું હતું.