ક્ષત્રિયો પર ટિપ્પણીને લઇ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ક્ષત્રિયો રૂપાલાની ટિપ્પણીથી એટલા બધા ખફા થયા છે કે રૂપાલાને ઉમેદવારી ન કરવા દેવા પક્ષમાં રજૂઆત કરી છે. ભાવનગરમાં પણ રૂપાલા સામે ક્ષત્રિયો ખફા થયા છે. APMCના ડિરેક્ટર સંજયસિંહ ગોહિલ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને રાજકોટથી ટિકિટ આપવા પોસ્ટ કરી છે.
ક્ષત્રિય સમાજ મામલે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી આવેદન પત્ર આપી રહ્યું છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે રાજકીય આગેવાનોના આ પ્રકારના નિવેદન ક્ષત્રિય સમાજની અસ્મિતા પર વાર છે જે સાંખી લેવાય નહિ. ચૂંટણીમાં વોટની ચોટ આપવા ક્ષત્રિય સમાજ તૈયાર રહેશે તેવો પણ સુર ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઇએ.
પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઇ ક્ષત્રિયોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે ઘોઘા તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાજપ સાથે જોડાયેલા સંજયસિંહ ગોહિલે સોશિયલ મીડિયા મારફત મેસેજ કર્યો છે. સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર છે. રૂપાલાના વિવાદ અંગે ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા મારફત મેસેજ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે રૂપાલાના સ્થાને અન્ય ઉમેદવારને ટીકીટ આપી વિવાદનો અંત લાવવો જોઈએ. પક્ષના સિનિયર નેતાઓ આવી નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરે તે વ્યાજબી નથી. જયરાજસિંહ જાડેજાએ સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખીને સમાધાનની પ્રક્રિયા કરવી જોઈતી હતી જે થઈ નથી. સંજયસિંહ ગોહિલે સોશિયલ મિડીયામાં કરેલા મેસેજમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,અમિત શાહ અને મનસુખ માંડવીયાને ટેગ કર્યા છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આવ્યુ છે. અમરેલી ખાતે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે ક્ષત્રિય સમાજ સાથે સુખદ અંત માટે પ્રયત્ન ચાલે છે. જ્યારે અમરેલી બેઠક મામલે તેમણે કહ્યુ કે ભરત સુતરીયાનો કોઈ વિરોધ કે કાર્યાલયને તાળા લાગ્યા નથી. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયા જ ઉમેદવાર રહેશે.