પંજાબના લુધિયાણામાં એક એવી ઘટના સામે આવી છે, જેના કારણે પ્રશાસનિક વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં મહિલા આઈએએસ અધિકારીના પતિના કરતૂતોની ચર્ચા થઈ રહી છે. આ આઈએએસ ઓફિસરનો પતિ હોટલમાં વિદેશી છોકરીઓ સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો હતો. લુધિયાણા પોલીસે આરોપી વિરુદ્ધ અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
લુધિયાણા પોલીસને માહિતી મળી રહી હતી કે સરભા નગરની એક હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે અને કેટલાક લોકો દેશી અને વિદેશી છોકરીઓ સાથે આવી રહ્યાં છે તેમજ નકલી આઈડી પર લોકોને રૂમ પણ ભાડે આપવામાં આવે છે. શુક્રવારે પોલીસને સ્થાનિક લોકો પાસેથી બાતમી મળી હતી કે, કેટલાક લોકો એક વિદેશી યુવતી સાથે હોટલમાં ઘૂસ્યા છે. આ પછી પોલીસે મોડી રાત્રે લુધિયાણામાં પંજાબ કૃષિ યુનિવર્સિટીના ગેટની સામે આવેલી હોટલમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી બે પુરુષ અને બે મહિલા વાંધાજનક હાલતમાં ઝડપાયાં હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, એક વ્યક્તિની પત્ની પંજાબમાં IAS ઓફિસર છે.
પોલીસે લેડી ઓફિસરને જાણ કરી હતી કે તેમનો પતિ છોકરીઓ પાસે હોટલમાંથી ઝડપાયો છે ત્યારે લેડી ઓફિસરે પોલીસને પતિ સામે કેસ દાખલ કરીને ધરપકડ કરવાનું કહ્યું હતું. સપ્ટેમ્બરમાં લુધિયાણાના આ જ વિસ્તારમાંથી પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સરભા વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. યુનિસેક્સ ડે સ્પા સેન્ટરના માલિક ઇન્દ્રજીત સિંહ, મેનેજર પલ્લવી હાંડા અને એજન્ટ કિર્તપ્રીત કૌર કેન્દ્રમાં તેમના ગ્રાહકોને છોકરીઓ સપ્લાય કરી રહ્યા છે.