વડોદરા પાસે આવેલી મંજૂસર જીઆઇડીસી (MANJUSAR GIDC) માં ગત મધરાત્રે આગ (FIRE) નું તાંડવ શરું થયું હોવાની ઘટના સામે આવી છે. જીઆઇડીસીમાં આવેલી કે બી પ્લાસ્ટીક નામની કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં આગનું સ્વરૂપ વિકરાળ બનતું જતું જોવા મળ્યું હતું. ઘટના અંગે ફાયર બ્રિગેડ (VADODARA FIRE) ને જાણ કરવામાં આવતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. મધરાતથી શરૂ થયેલી આગ પર કાબુ મેળવવાની કવાયત વહેલી સવાર સુધી ચાલી હતી. હાલમાં સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
વડોદરાની આસપાસ મધ્યગુજરાતની સૌથી મોટી ઓદ્યોગિક વસાહત આવેલી છે. ગત રાત્રે જ્યારે આપણે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે મંજૂસર જીઆઇડીસીમાં આવેલી કે બી પ્લાસ્ટીક નામની કંપનીમાં આગ અકસ્માતની ઘટના સામે આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે રાત્રે 11 – 30 કલાકે કંપનીમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને કરવામાં આવ્યો હતો. કંપનીમાં પ્લાસ્ટીક સંબંધિત સ્ક્રેપ અને દાણા બનાવવા માટેનું મટીરીયલ મોટા પ્રમાણમાં હોવાથી આગનું સ્વરૂપ જોતજોતામાં વિકરાળ થઇ ગયું હતું. જેને લઇને આસપાસના કંપનીમાં પણ ભય પ્રસર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડને લાશ્કરો મધરાત્રે મંજૂસર જીઆઇડીસી પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા.
મધરાત્રે શરૂ કરવામાં આવેલી વહેલી સવાર સુધી ચાલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આશરે 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ કરી લેવામાં આવ્યો છે. અને હાલ સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત્રે લાગેલી ભીષણ આગ અને તેને કાબુમાં કરવા માટે લાગેલા સમયને ધ્યાને રાખીને સંચાલકોને મોટું આર્થિક નુકશાન થયું હોવાનો અંદાજ છે. આ આગમાં કોઇ જાનહાની થઇ ન હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. તો બીજી તરફ કુલિંગની કામગીરી બાદ કે બી પ્લાસ્ટીક કંપનીમાં લાગેલી ભીષણ આગને લઇને કેટલું નુકશાન થયું તેની ગણતરી કરી શકાશે. મોટી આગની ઘટના સમયે ફાયર લાશ્કરોની કામગીરીને લોકોએ બિરદાવી છે.