પરષોતમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકોટના સ્પીડવેલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં હું સનાતનની સાથે છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું, હું નરેન્દ્ર મોદીની સાથે છું, હું પરષોતમ રૂપાલાની સાથે છુંના સ્લોગન વાળા બેનરો લગાવવામાં આવ્યા છે.
રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવી વિસ્તાર છે. પાટીદાર અગ્રણીઓએ પરષોતમ રૂપાલાને સમર્થન જાહેર કર્યુ અને પાટીદાર અગ્રણીઓ એમ પણ કહે છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું સંમેલન મળી શકે છે. સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી પોસ્ટ મુકાઈ છે. પરષોતમ રૂપાલાના સમર્થનમાં વીડિયો મુકાયા છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં અંબરીષ ડેર પણ આવ્યા છે. અંબરીષ ડેર પરશોતમ રૂપાલાના સમર્થનમાં સ્નેહસંવાદ કાર્યક્રમ યોજશે. ભાજપના મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સમર્થન કર્યું છે. જ્યોતિ ટીલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા છે.
કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા પરષોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. પાટીદાર સમાજ રૂપાલાનું સમર્થન ખુલ્લેઆમ કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું ચોક્કસ કહે છે કે પરષોતમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેની તરફેણ કરવી એ લોકશાહી પ્રણાલિકામાં અમારો પણ અધિકાર છે. સમર્થન અને વિરોધના દોરની વચ્ચે પરષોતમ રૂપાલા પણ દિલ્લી દરબારમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપીને પાછા આવી ગયા છે અને એમ જ કહી રહ્યા છે કે પોતાના તરફથી આ વિષય હવે પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજે નક્કી કરવાનું છે. જો આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો અને છે તો પછી તેમા સમાજે દાખલ થવાની જરૂર શા માટે પડી, જે વિવાદ છે તેનું સંવાદથી સમાધાન શા માટે ન આવી શકે.